​હવે મોબાઈલથી જ કરો તમારી 'સ્વ-જનગણના', જાણો SE ID મેળવવાની રીત

હવે સરકારી કર્મચારીની રાહ જોયા વગર મોબાઈલથી જ ઘરેબેઠા કરો તમારી સ્વ-જનગણના. જાણો ઓનલાઈન ફોર્મ ભરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત અને SE ID મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ

May 17, 2026 - 20:24
0 14
​હવે મોબાઈલથી જ કરો તમારી 'સ્વ-જનગણના', જાણો SE ID મેળવવાની રીત

દેશમાં ટેક્નોલોજીના વધતા વ્યાપ સાથે હવે જનગણના (Census) ની કામગીરી પણ ડિજિટલ બની રહી છે. નાગરિકોની સુવિધા માટે હવે 'સ્વ-જનગણના' (Self-Enumeration) ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા તમે સરકારી કર્મચારીની રાહ જોયા વગર તમારા મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી જ ઘરેબેઠા તમારા પરિવારની વિગતો ઓનલાઈન નોંધી શકો છો. આ પ્રક્રિયા અત્યંત સરળ છે અને તેનાથી સમયની પણ બચત થાય છે.

​જો તમે પણ ઘરેબેઠા સેલ્ફ-સેન્સસ કરવા માંગો છો, તો નીચે આપેલી સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી તમને મદદરૂપ થશે.

​ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાના સરળ સ્ટેપ્સ:

​૧. પોર્ટલ પર લોગ-ઈન કરવું: સૌથી પહેલા તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરના બ્રાઉઝરમાં સત્તાવાર વેબસાઈટ http://se.census.gov.in ખોલો. (વહીવટી સરળતા અને સારા ડિસ્પ્લે માટે ડેસ્કટોપ અથવા લેપટોપનો ઉપયોગ કરવો વધુ હિતાવહ રહેશે).

​૨. રાજ્યની પસંદગી: વેબસાઈટ ખુલ્યા બાદ સ્ક્રીન પર દેખાતા ડ્રોપડાઉન (Dropdown) મેનુમાંથી તમારા રાજ્યની પસંદગી કરો. ત્યારબાદ ત્યાં આપેલો કેપ્ચા કોડ (Captcha) ભરો. દ્રષ્ટિબાધિત લોકો માટે આમાં 'ઓડિયો' વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. વિગતો ભર્યા બાદ 'Verify & Proceed' પર ક્લિક કરો.

​૩. પરિવારના મુખ્ય વ્યક્તિનું રજિસ્ટ્રેશન: હવે રજિસ્ટ્રેશન ફોર્મમાં પરિવારના મુખ્ય વ્યક્તિનું નામ નોંધાવો. (ધ્યાન રાખવું કે આ નામ પાછળથી બદલી શકાશે નહીં). ત્યારબાદ એક સક્રિય મોબાઈલ નંબર આપો. નોંધનીય છે કે એક ઘર અથવા પરિવાર દીઠ માત્ર એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ થઈ શકશે.

​૪. ઈમેઈલ આઈડી (વૈકલ્પિક): જો તમારી પાસે ઈમેઈલ આઈડી હોય તો તમે નોંધી શકો છો, જો કે આ વિગત ફરજિયાત નથી.

​૫. OTP વેરિફિકેશન: તમે આપેલા મોબાઈલ નંબર પર 6 આંકડાનો એક OTP (વન ટાઈમ પાસવર્ડ) આવશે, તેને એન્ટર કરો. આ પોર્ટલ હિન્દી-ગુજરાતી સહિત 16 ભાષાઓમાં ઉપલબ્ધ છે, તેથી તમારી અનુકૂળ ભાષા પસંદ કરો. (ભાષાની પસંદગી પણ પાછળથી બદલી શકાશે નહીં).

કઈ-કઈ માહિતી ભરવાની રહેશે?

​પોર્ટલ પર વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમારે મુખ્યત્વે ત્રણ સેક્શનમાં માહિતી સબમિટ કરવાની રહેશે:

​સેક્શન A (મકાનની વિગત): આ વિભાગમાં તમારે નકશા (Map) પર તમારા ઘરનું લોકેશન માર્ક કરવાનું રહેશે. આ સિવાય મકાનનો પ્રકાર કેવો છે, દીવાલ, છત અને ફ્લોર કઈ સામગ્રીમાંથી બનેલા છે તેની વિગતો આપવાની રહેશે.

​સેક્શન B (પરિવાર સંબંધિત માહિતી): અહીં ઘરમાં રહેતા કુલ સભ્યોની સંખ્યા, પુરુષ-સ્ત્રીની વિગત, રૂમની સંખ્યા અને ઘરમાં કેટલા મેરિડ કપલ (પરિણિત યુગલો) રહે છે તેની માહિતી ભરવાની રહેશે.

​સેક્શન C (સુવિધાઓ અને સંપત્તિ): આ સેક્શનમાં ઘરમાં મળતી યુટિલિટી જેવી કે પીવાનું પાણી, વીજળી કનેક્શન, શૌચાલય, સ્નાનગૃહ અને રસોઈના બળતણની વિગત આપવી. સાથે જ સંપત્તિ સંબંધિત સવાલો જેવા કે ટીવી, ફ્રિજ, કાર, મોબાઈલ કે કમ્પ્યુટર છે કે નહીં તેની માહિતી આપવાની રહેશે.

​આખરી સ્ટેપ: Preview અને Final Submit

​બધી જ માહિતી ભરાઈ ગયા બાદ એકવાર 'Preview' બટન પર ક્લિક કરીને તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસી લો. કારણ કે ફાઈનલ સબમિટ કર્યા બાદ કોઈ ફેરફાર શક્ય બનશે નહીં. સફળતાપૂર્વક ફોર્મ સબમિટ થતાં જ સ્ક્રીન પર એક SE ID (Self-Enumeration ID) જનરેટ થશે. આ આઈડી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈમેઈલ પર પણ મોકલવામાં આવશે.

​મહત્વની નોંધ: જનરેટ થયેલા SE ID ની પ્રિન્ટ કાઢી લો અથવા તમારા મોબાઈલમાં તેનો સ્ક્રીનશોટ સેવ કરી રાખો. જ્યારે પણ વેરિફિકેશન માટે સેન્સસ કર્મચારી તમારા ઘરે આવે ત્યારે તેમને આ આઈડી બતાવવાનો રહેશે. આ ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજ (Documents) અપલોડ કરવાની જરૂર નથી. પરિવારની કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ ફોર્મ ભરી શકે છે.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User