સુરત પૂરગ્રસ્તો માટે સરકારી પેકેજ માત્ર ‘બોદો આશ્વાસન’? કડક શરતોના વમળમાં પિસાશે નાના વેપારીઓ

સુરતના પૂર પ્રભાવિત વિસ્તારો માટે રાજ્ય સરકારે ‘ઉદારતમ સહાય’ પેકેજ તો જાહેર કર્યું, પણ જટિલ નિયમો, GST રિટર્નની આકરી શરતો અને વહીવટી પ્રક્રિયાના કારણે હજારો નાના કેબિન અને લારીધારકો વંચિત રહેવાની ભીતિ સેવાય રહી છે. જાણો શું છે જમીની હકીકત

Jul 16, 2026 - 14:15
Updated: 14 days ago
0 21
સુરત પૂરગ્રસ્તો માટે સરકારી પેકેજ માત્ર ‘બોદો આશ્વાસન’? કડક શરતોના વમળમાં પિસાશે નાના વેપારીઓ

સુરત શહેર અને જિલ્લામાં તાજેતરમાં જુલાઈ ૨૦૨૬ દરમિયાન પડેલા ભારેથી અતિભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી પ્રભાવિત થયેલા વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને બેઠા કરવા માટે રાજ્ય સરકારે ખૂબ જ મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના પૂર પ્રભાવિત વિસ્તારોના સર્વાંગી પુનઃવસન માટે એક ઉદારતમ અને ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે.

ગાંધીનગર ખાતે આ પેકેજ અંગે વિસ્તૃત માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પૂરના કારણે સુરતમાં નાના-મોટા વેપારીઓ અને રોજગારી મેળવતા શ્રમિકોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા તેમજ સ્થાનિક અર્થતંત્રને પુનઃ વેગ આપવા મુખ્યમંત્રીશ્રીએ આ ખાસ સંવેદનાશીલ નિર્ણય લીધો છે. લારી/રેકડી ધારકોથી માંડીને મોટી પાકી દુકાન ધરાવતા અને જીએસટી રિટર્ન ભરતા તમામ એકમોને સીધી આર્થિક સહાય કે સસ્તા વ્યાજે લોન સહાય આપીને અર્થતંત્રને ઝડપથી પૂર્વવત કરવામાં આવશે.

પેકેજની મુખ્ય અને મહત્વની હાઇલાઇટ્સ:

  • ઝડપી આર્થિક બળ: લારી, રેકડી અને કેબિન ધારકોને મોટી ઉચ્ચક આર્થિક સહાય અપાશે.

  • વેરા માફી: પૂરથી પ્રભાવિત સુરત શહેરના રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારો માટે એક આખા વર્ષની વેરા માફી જાહેર કરવામાં આવી છે.

  • અરજીની છેલ્લી તારીખ: ઉચ્ચક રોકડ સહાય મેળવવા માટે તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં નિયત ફોર્મમાં સંબંધિત અધિકારીને અરજી કરવાની રહેશે.

  • વ્યાજ સહાય અરજી: જીએસટી રિટર્ન ભરતા એકમોએ વ્યાજ સહાય મેળવવા માટે પેકેજના ઠરાવની તારીખથી છ માસની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને અરજી કરવાની રહેશે.

ક્રમ પાત્રતા / લાભાર્થી મળવાપાત્ર સહાયની વિગતો
લારી/રેકડી ધારકો રૂ. ૭,૫૦૦/- ની ઉચ્ચક રોકડ સહાય
નાની સ્થાયી કેબિન (વિસ્તાર ૪૦ ચોરસ ફૂટ સુધી) રૂ. ૨૫,૦૦૦/- ની ઉચ્ચક રોકડ સહાય
મોટી કેબિન (વિસ્તાર ૪૦ ચોરસ ફૂટથી વધુ) રૂ. ૫૦,૦૦૦/- ની ઉચ્ચક રોકડ સહાય
પાકી દુકાન (પાકું બાંધકામ અને છેલ્લું GST રિટર્ન ભરેલ હોય) રૂ. ૧,૦૦,૦૦૦/- ની ઉચ્ચક રોકડ સહાય
પાકી દુકાન (માસિક ટર્નઓવર રૂ. ૭.૫ લાખ સુધી) રૂ. ૨૦ લાખ સુધીની ટર્મ લોન પર ૩ વર્ષ માટે ૭% વ્યાજ સહાય (મહત્તમ રૂ. ૫ લાખની મર્યાદામાં)
પાકી દુકાન (માસિક ટર્નઓવર રૂ. ૭.૫ થી ૧૫ લાખ સુધી) રૂ. ૨૫ લાખ સુધીની ટર્મ લોન પર ૩ વર્ષ માટે ૭% વ્યાજ સહાય (મહત્તમ રૂ. ૮ લાખની મર્યાદામાં)
પાકી દુકાન (માસિક ટર્નઓવર રૂ. ૧૫ લાખથી વધુ) રૂ. ૩૦ લાખ સુધીની ટર્મ લોન પર ૩ વર્ષ માટે ૭% વ્યાજ સહાય (મહત્તમ રૂ. ૧૦ લાખની મર્યાદામાં)

નિયમો અને સરવેની પદ્ધતિ

નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, અસરગ્રસ્તો ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહાય પૈકી માત્ર કોઈ પણ એક જ વિકલ્પ પસંદ કરી શકશે. સરવે અને ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફીના આધારે પુરાવા ચકાસીને સહાય સીધી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરશ્રી અને ગ્રામ્ય સ્તરે પ્રાંત અધિકારીના વડપણ હેઠળની સમિતિ આ પ્રક્રિયા પર સંપૂર્ણ મોનિટરિંગ રાખશે. જે વેપારીઓએ APMC સહાય યોજનાનો લાભ લીધો હશે, તેમને આ યોજનાનો લાભ નહીં મળે. કોઈ પણ વિવાદ કે અપીલ માટે સુરત કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિ આખરી નિર્ણય લેશે.

સફાઈ કામગીરી અને અત્યાર સુધી ચૂકવાયેલી સહાય

પૂરની પરિસ્થિતિ બાદ સુરત શહેરમાં ગંદકી કે રોગચાળો ન ફેલાય તે માટે રાજ્યભરમાંથી ૯,૦૦૦ થી વધુ સફાઈદૂતો સુરત ખાતે સફાઈ અભિયાનમાં જોડાયા છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ કામગીરી માટે સુરતવાસીઓ વતી સફાઈદૂતોનો આભાર માન્યો હતો. આ સાથે જ, ૧૪ જુલાઈ ૨૦૨૬ સુધીમાં કુલ ૧૯,૨૫૬ પરિવારોને રૂ. ૯.૬૨ કરોડની ઘરવખરી સહાય અને ૩૯,૨૩૭ અસરગ્રસ્તોને રૂ. ૩.૫૩ કરોડની કેશડોલ મળીને કુલ રૂ. ૧૩.૧૫ કરોડની સહાય રોકડેથી ચૂકવી દેવામાં આવી છે.

ભવિષ્યના કાયમી નિવારણ માટે મેગા એક્શન પ્લાન

સુરતના ખાડી વિસ્તારોમાં ભવિષ્યમાં આવી ગંભીર પૂરની સ્થિતિ ક્યારેય ન સર્જાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક ઉચ્ચ સ્તરીય વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. શહેરી વિકાસ અગ્ર સચિવના નેતૃત્વમાં બનેલી આ કમિટીમાં સુરત મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર અને સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે, જેઓ ટૂંક સમયમાં ખાડી વિસ્તારના પૂર નિવારણ માટે લાંબાગાળાનો કાયમી એક્શન પ્લાન તૈયાર કરશે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલે પૂર પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ વેપારીઓની મુશ્કેલીઓ જાણી હતી, જે બાદ આ સંવેદનાપૂર્ણ અને ઉદારતમ નિર્ણય લેવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User