કોરિડોરના પ્રકાશમાં ધૂંધળી થતી આધ્યાત્મિકતા

જ્યાં ઈશ્વર માટે નહીં, ફોટોગ્રાફી માટે ભીડ ઊભી થાય છે અને આધ્યાત્મિક ધામ હવે પર્યટન સ્થળ બની રહ્યા છે

કોરિડોરના પ્રકાશમાં ધૂંધળી થતી આધ્યાત્મિકતા

ભારતીય સંસ્કૃતિમાં મંદિર હંમેશાં માત્ર પૂજાની જગ્યા નહીં, પણ આત્મા અને પરમાત્મા વચ્ચેનો પુલ રહ્યું છે. અહીં મનુષ્ય ઈશ્વર સાથે સંવાદ કરતો, શાંતિ મેળવતો અને પોતાનું અહંકાર વિલીન કરતો. પરંતુ આજના સમયમાં આ પવિત્ર સ્થળોની પરિભાષા ધીમે ધીમે બદલાતી જાય છે.

મંદિરથી કોરિડોર સુધીનો પરિવર્તન

તાજેતરના વર્ષોમાં અનેક પ્રખ્યાત મંદિરોની આસપાસ ભવ્ય કોરિડોર યોજનાઓ બની છે વિશ્વનાથથી લઈ અયોધ્યા સુધી. આ સૌંદર્ય, પ્રકાશ અને આધુનિકતા જોવામાં અદભુત છે, પરંતુ એ સાથે એક પ્રશ્ન પણ ઉભો થાય છે શું આ ચમકમાં આધ્યાત્મિકતાનો પ્રકાશ ધૂંધળો થતો નથી?

લોકો હવે મંદિરમાં “દરશન” માટે નહીં, પણ “ફોટોગ્રાફી” માટે જાય છે.
ભગવાન સામે હાથ જોડવાની જગ્યાએ મોબાઇલ ઉપાડાય છે.
મંદિરના ગર્ભગૃહમાં શાંતિની જગ્યાએ હવે “સેલ્ફી સ્ટિક”ની છાંયડી દેખાય છે.

ફોટોગ્રાફીનો નવા યુગનો ધર્મ

કોરિડોરો હવે ભક્તિના માર્ગ કરતાં વધુ પર્યટન માર્ગ બની રહ્યા છે. ભક્તિનું સ્થાન હવે દેખાવે લઈ લીધું છે. ભગવાનની સામે થોડી ક્ષણ મૌન થવાને બદલે, ભક્ત હવે કહે છે  “એક ફોટો લઈ લઉં, પછી જ પ્રાર્થના કરું.”

આ પરિવર્તન માત્ર મંદિરની દિવાલોમાં નથી, પણ મનુષ્યની માનસિકતામાં પણ ઉતરી ગયું છે. મનમાંથી ઈશ્વરનું સ્થાન હવે મોબાઇલની ગેલેરીમાં ખસી ગયું છે.

આધ્યાત્મિકતાનો સાચો પ્રકાશ

મંદિરની દિવાલો ભવ્ય બની શકે, કોરિડોરમાં હજારો દીવડા પ્રગટાવી શકાય પરંતુ જો મનનો દીવો બુઝાય, તો તે ચમક ઈશ્વર સુધી ક્યારેય નહીં પહોંચે.

સાચી ભક્તિ તે છે —
જ્યાં આંખો બંધ હોય અને મન ખુલ્લું,
જ્યાં ઈશ્વર સામે શાંતિ હોય, દેખાવ નહીં.

કોરિડોરના પ્રકાશમાં જો આધ્યાત્મિકતાનો પ્રકાશ ધૂંધળો થઈ રહ્યો હોય, તો એ વિકાસ નહીં, વિમુખતા છે. કારણ કે ભગવાનની શોધ ફોટોમાં નહીં, મનમાં થાય છે.


મંદિર હવે માત્ર પથ્થરનું બંધારણ નથી,
તે માનવીની ભક્તિનું પ્રતિબિંબ છે.
જો એ ભક્તિ હૃદયમાંથી ખસી જાય અને કેમેરામાં સમાઈ જાય,
તો કોરિડોર કેટલો પણ ભવ્ય કેમ ન હોય
ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ તો ખોવાઈ જાય છે.