પોલીસ આવી પણ હોય શકે

ઈસનપુર પોલીસની માનવતાભરી ઘટના: સાત વર્ષની દીકરીનું હૃદય ઓપરેશન કરી પોલીસએ આપ્યું નવું જીવન

પોલીસ આવી પણ હોય શકે

અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 દરમિયાન બનેલી એક ઘટના આજે પણ માનવતા અને પોલીસની સાચી છબી દર્શાવે છે. પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નથી, પરંતુ સમાજના નબળા વર્ગ માટે આશાનો દીવો પણ બની શકે છે – તેનો જીવંત દાખલો પોલીસ ઇન્સ્પેક્ટર એપી ગઢવી અને સબ ઇન્સ્પેક્ટર એએ વાઘેલા દ્વારા અપાયો છે.

લારી-પાથરણા વાળાની લાચાર સ્થિતિ
ઈસનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન PSI એએ વાઘેલા રસ્તા પર પાથરણું પાથરીને બેઠેલા લોકોને હટાવી રહ્યા હતા. મોટાભાગના વેપારીઓ ભાગી ગયા, પરંતુ એક પાથરણા વાળો મુકેશ ત્યાં જ ઊભો રહ્યો. પોલીસની કડકાઈ વચ્ચે મુકેશે લાચાર અવાજમાં કહ્યું – “સાહેબ મને મારી નાખવો પડે તો મારી નાખો ગોળી મારો પણ ધંધો તો અહીંયા જ કરીશ.”
આ શબ્દો PSI વાઘેલાને ચોંકાવી ગયા. શરૂઆતમાં પોલીસને લાગ્યું કે આ પડકાર છે, પરંતુ હકીકત કંઈક જુદી જ હતી.

દીકરીના જીવન માટે સંઘર્ષ
મુકેશે પોલીસ ઇન્સ્પેક્ટર એપી ગઢવી સમક્ષ પોતાની વાત મૂકી. તેની સાત વર્ષની દીકરી મંજુના હૃદયમાં કાણું હતું. તાત્કાલિક સર્જરી વગર તેનો જીવ બચવો મુશ્કેલ હતો. મંજુની મેડિકલ ફાઈલ ચકાસતા જાણવા મળ્યું કે મુકેશ સત્ય બોલી રહ્યો છે.
PSI વાઘેલા ખુદ મુકેશના ઘરે પહોંચ્યા અને મંજુની બિમારી જોઈને તરત જ ડૉક્ટરોનો સંપર્ક કર્યો. યુએન મહેતા હાર્ટ હોસ્પિટલના નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું કે તરત જ ઓપરેશન કરવું પડશે અને તેની કિંમત આશરે બે લાખ રૂપિયા આવશે.

પોલીસની માનવતા આગળ આવી
આ પરિસ્થિતિમાં PI એપી ગઢવીએ પોતાના એકાઉન્ટમાંથી રૂ. 50,000 આપ્યા અને બાકીની રકમ માટે સ્ટાફ તથા દાતાઓને આગળ આવવા પ્રેર્યા. થોડા જ સમયમાં 2 લાખ રૂપિયા ભેગા થયા અને મંજુનું ઓપરેશન સફળતાપૂર્વક થયું.
આ સમય દરમિયાન PSI વાઘેલા જાણે મંજુના પિતા સમાન બની ગયા. હોસ્પિટલમાં રોજ મળવા જતાં, તેની હિંમત વધારતા અને પરિવારની સાથે ઉભા રહ્યા.

મંજુને નવું જીવન
સફળ સર્જરી બાદ મંજુ ફરીથી તંદુરસ્ત બની અને ઘેર પરત ફરી. નાની ઉંમરે જ તેને એ અનુભવ થયો કે “પોલીસનો અર્થ માત્ર દંડ કે ડર નહીં, પરંતુ જીવનદાતા પણ હોઈ શકે છે.”

હાલમાં PSI એએ વાઘેલા વડોદરાના નંદેસરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઘટના દર્શાવે છે કે ખાખી વેશમાં માનવતા જીવંત છે, ફક્ત તે વાર્તાઓ આપણા સુધી ભાગ્યે જ પહોંચે છે.