ટ્રાફિક નિયમોમાં મોટો સુધારો: ૫ ચલણ ફાટતા જ ડ્રાઈવિંગ લાયસન્સ થશે જપ્ત!
કેન્દ્ર સરકાર દ્વારા મોટર વાહન નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જો કોઈ વાહનચાલકના વર્ષમાં ૫ થી વધુ ઈ-ચલણ ફાટશે તો તેનું ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત, નિયત સમયમાં ચલણ ન ભરનારા વાહનોને વાહન પોર્ટલ પર બ્લોક કરી દેવાની કડક જોગવાઈ પણ લાગુ કરાઈ છે.
જો તમે પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને ઈ-ચલણ ભરવામાં આળસ કરી રહ્યા છો, તો હવે ભારે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) દ્વારા સેન્ટ્રલ મોટર વહીકલ રૂલ્સમાં મોટા સુધારા કરતું નવું નોટિફિકેશન (G.S.R. 48(E)) જાહેર કરવામાં આવ્યું છે. આ નવા નિયમો અંતર્ગત ઓનલાઈન ચલણ ભરવાની સમયમર્યાદાથી લઈને લાયસન્સ બ્લોક કરવા સુધીની કડક જોગવાઈઓ કરવામાં આવી છે.
વાહન માલિકો અને ડ્રાઈવરો માટે કયા નવા નિયમો લાગુ પડવાના છે, તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે
ફાટેલા ઈ-ચલણ સામે ફરિયાદ માટે માત્ર ૪૫ દિવસ
જો તમને ટ્રાફિક પોલીસ તરફથી કોઈ ચલણ ઈશ્યુ થયું છે અને તમને લાગે છે કે આ ચલણ ખોટું છે અથવા તમારો કોઈ વાંક નહોતો, તો તમે તેની સામે રજૂઆત કરી શકો છો. પરંતુ, તેના માટે હવે ચલણ ઈશ્યુ થયાના માત્ર ૪૫ દિવસની અંદર જ ઈ-ચલણ પોર્ટલ પર જઈને ઓનલાઈન ગ્રીવન્સ (ફરિયાદ) દાખલ કરવાની રહેશે.
૪૫ દિવસ પછી ગુનો સ્વીકારેલો ગણાશે અને ૩૦ દિવસમાં પેમેન્ટ કરવું પડશે
જો તમે ૪૫ દિવસની અંદર કોઈ ફરિયાદ દાખલ નહીં કરો, તો કાયદાકીય રીતે એવું માની લેવામાં આવશે કે વાહન માલિક અથવા ડ્રાઈવરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. ત્યારપછીના ૩૦ દિવસની અંદર ચલણની પૂરેપૂરી રકમ ભરપાઈ કરવાની રહેશે.
ચલણ નહીં ભરો તો વાહન પોર્ટલ પર સેવાઓ થશે બ્લોક ('Not to be transacted')
જો નિયત સમયમર્યાદામાં ચલણની રકમ ભરવામાં નહીં આવે, તો તમારા વાહનની વિગતો વાહન પોર્ટલ (Vahan Portal) પર "Not to be transacted" તરીકે માર્ક કરી દેવામાં આવશે. આનો અર્થ એ થાય કે જ્યાં સુધી તમે ચલણ નહીં ભરો, ત્યાં સુધી તમે વાહનને લગતી સરકારી સેવાઓ (જેમ કે ફિટનેસ સર્ટિફિકેટ, આરસી રિન્યુઅલ કે ટ્રાન્સફર વગેરે)નો લાભ નહીં લઈ શકો. આ ઉપરાંત, ડ્રાઈવિંગ લાયસન્સ અને મોટર વાહનને લગતી અન્ય અરજીઓ પર પણ કોઈ પ્રક્રિયા કરવામાં આવશે નહીં.
ફરિયાદ રિજેક્ટ થાય તો શું કરવું?
જો તમે કોઈ ચલણ સામે ફરિયાદ કરી હોય અને રેડ્રેસલ ઓથોરિટી (Redressal Authority) દ્વારા તમારી ફરિયાદ અસ્વીકાર (Reject) કરવામાં આવે, તો તમારી પાસે બે વિકલ્પો રહેશે:
-
ફરિયાદ નામંજૂર થયાના ૩૦ દિવસની અંદર ચલણની પૂરેપૂરી રકમ ભરી દેવી.
-
અથવા, ચલણની રકમના ૫૦% રકમ સરકારના નિયત ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવીને કોર્ટ સમક્ષ અરજી દાખલ કરવી. જો કોર્ટ સમક્ષ પણ ચલણ માન્ય રાખવામાં આવે, તો ચુકાદાના ૧૫ દિવસની અંદર બાકીની રકમ ભરવી પડશે, નહીંતર ફરીથી વાહન પોર્ટલ પર બધી સેવાઓ બ્લોક થઈ જશે.
વર્ષમાં ૫ થી વધુ ચલણ ફાટ્યા તો લાયસન્સ સીધું સસ્પેન્ડ!
આ નવા નિયમનો સૌથી કડક ભાગ એ છે કે, જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઈવરના નામે એક જ વર્ષની અંદર ૫ કે તેથી વધુ ઈ-ચલણ ઈશ્યુ થશે, તો તેમનું ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નિયમ વારંવાર ટ્રાફિકના નિયમો તોડતા નફ્ત વાહનચાલકો પર લગામ કસવા માટે લાવવામાં આવ્યો છે.
વાહનચાલકો માટે કામની સલાહ:
આ નવા નિયમો સ્પષ્ટ કરે છે કે હવે ટ્રાફિક ચલણને હળવાશથી લેવું વાહનચાલકોને મોંઘું પડશે. તેથી, વહેલી તકે તમારું કોઈ પેન્ડિંગ ચલણ હોય તો તેને ઓનલાઈન ચેક કરીને ભરી દેવું હિતાવહ છે, જેથી ભવિષ્યમાં આરટીઓ (RTO) કે લાયસન્સ સંબંધિત કામોમાં અટવાવવું ન પડે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)