ગોંડલ નજીક શ્રદ્ધાળુઓની બસ ખાડામાં પલટી: સાસુ-વહુના કરુણ મોત, 60થી વધુ મુસાફરોમાંથી 7ની હાલત ગંભીર
ગોંડલના વોરા કોટડા-બાંદરા રોડ પર શ્રદ્ધાળુઓની ખાનગી લક્ઝરી બસ ઊંડા ખાડામાં પલટી જતાં સાસુ-વહુના મોત થયા છે. ટ્રકને સાઇડ આપવા જતાં સર્જાયેલા આ અકસ્માતમાં ૬૦થી વધુ મુસાફરોમાંથી ૭ની હાલત ગંભીર છે.
ગુજરાતમાં માર્ગ અકસ્માતની વધુ એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલ નજીક આજે વહેલી સવારે શ્રદ્ધાળુઓથી ભરેલી એક ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના સાસુ-વહુના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તો પૈકી ૫ થી ૭ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
ટ્રકને સાઇડ આપવા જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી અનુસાર, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવા માટે રવિવારે એક ખાનગી બસ ઉપડી હતી. આ પ્રવાસ પૂર્ણ કરીને બસ આજે વહેલી સવારે ૪:૩૦ વાગ્યાની આસપાસ પરત ફરી રહી હતી. તે દરમિયાન વોરા કોટડાથી બાંદરા જવાના સિંગલ પટ્ટી રોડ પર સામેથી આવી રહેલા એક ટ્રકને જગ્યા આપવા માટે બસ ચાલકે વાહન રિવર્સ લીધું હતું. રોડ સાંકડો હોવાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આખી બસ રોડ કિનારે આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.
કાચ તોડીને મુસાફરોને બહાર કઢાયા, ચીસાચીસથી વાતાવરણ ગમગીન
બસ પલટી મારતાં જ વહેલી સવારના શાંત વાતાવરણમાં મુસાફરોની ચીસાચીસ ગુંજી ઉઠી હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને બસના કાચ તોડી અંદર ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવાની રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. દુર્ઘટના સમયે બસમાં ૬૦થી વધુ મુસાફરો સવાર હતા.
હોસ્પિટલમાં ઇમરજન્સી એલર્ટ: ગંભીર દર્દીઓ રાજકોટ રિફર
ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ૩ એમ્બ્યુલન્સ અને ૧૦૮ની ૪ એમ્બ્યુલન્સ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, જે દર્દીઓની સ્થિતિ વધુ ગંભીર અને નાજુક હતી, તેમને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. એક જ પરિવારના બે સભ્યોના (સાસુ-વહુ) મોતના સમાચારથી ભોજરાજપરા પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)