ચૂંટણી, ધાકધમકી અને લોકશાહીની હત્યા!

ચૂંટણીમાં ધાક-ધમકી, પોલીસનો દુરુપયોગ અને પૈસાની લાલચથી 1536 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા! સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડિયો-ઓડિયો સામે ચૂંટણી પંચ આંખ આડા કાન કરી રહ્યું છે. શું લોકશાહીની હત્યા થઈ ગઈ છે? આ કડક અને ચોંકાવનારો અહેવાલ વાંચો.

ચૂંટણી, ધાકધમકી અને લોકશાહીની હત્યા!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ કોઈપણ લોકશાહીનું હૃદય છે. પરંતુ આજે તે હૃદય ધીમે ધીમે ધબકવાનું બંધ થઈ રહ્યું છે. તાજેતરના આંકડા આંખે અંધારા કરી દે છે – કુલ 29,389 ફોર્મમાંથી 1,536 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. આ માત્ર આંકડો નથી, આ તો લોકશાહી વિશે ગંભીરતાથી વિચારવાનો સમય છે.

એક સામાન્ય વ્યક્તિ ચૂંટણી લડવાનો નિર્ણય કેટલી મહેનતથી લે છે? મહિનાઓની તૈયારી, પરિવારની ચિંતા, આર્થિક જોખમ... અને પછી? ફોર્મ ભર્યા પછી ધાક-ધમકી, દબાણ અને ગેરકાયદેસર સોદાબાજી શરૂ થઈ જાય છે. આજે સોશિયલ મીડિયા પર ધાક-ધમકીના વિડિયો અને ઓડિયો વાયરલ થઈ રહ્યા છે. કોઈ ઉમેદવારને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે છે, કોઈને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને ડરાવવામાં આવે છે, તો કોઈને મોટી રકમની લાલચ આપીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કરવામાં આવે છે. આ શું છે? આ લોકશાહી છે કે ગુંડારાજ?

લોકશાહીની આત્મા ‘પસંદગી’માં હતી. પરંતુ આજે મતદાતાઓ પાસે પસંદગી જ ખતમ થઈ રહી છે. ઉમેદવારોને ધમકી અને દબાણથી સ્પર્ધામાંથી બહાર કાઢી નાખવામાં આવે છે. રાજકીય રીતે, માનસિક રીતે અને ક્યારેક શારીરિક રીતે પણ ઉમેદવારોને દબાણ કરવામાં આવે છે. 

સૌથી મોટો સવાલ એ છે કે ચૂંટણી પંચ શું કરી રહ્યું છે?જ્યારે ઉમેદવાર ફોર્મ ભરે છે અને પછી ધાક-ધમકી અથવા દબાણનો ભોગ બને છે, ત્યારે પગલા લઈને યોગ્ય કાર્યવાહી કરવાની જવાબદારી સીધી ચૂંટણી પંચની હોય છે. તો પંચ શા માટે આંખ આડા કાન કરીને બેસી રહ્યું છે? વાયરલ થતા ઓડિયો-વિડિયો જોઈને પણ તેના કાન બંધ કેમ છે? પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો હોય, પૈસાની લાલચ આપવામાં આવતી હોય અને સામાન્ય જનતા સુધી આ પુરાવા પહોંચી જતા હોય ત્યારે પણ ચૂંટણી પંચ ચૂપ છે!

આ બધું જોઈને એક જ પ્રશ્ન મનમાં ગુંજે છે – શું લોકશાહી મરી ગઈ છે. જ્યાં ઉમેદવારોને સ્વતંત્ર રીતે લડવાની તક પણ નથી મળતી, ત્યાં લોકશાહીની વાત કરવી એ માત્ર મજાક છે.

1,536 ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવું એ કોઈ સામાન્ય ઘટના નથી. આ તો લોકશાહી પર થતો સીધો હુમલો છે. જો આ ધાક-ધમકી, દબાણ અને પૈસાની લાલચનું પરિણામ છે, તો આપણે કહી શકીએ કે આપણી ચૂંટણી પ્રક્રિયા હવે કબજામાં છે – કેટલાક શક્તિશાળી તત્વોના કબજામાં.

લોકશાહીને જીવંત રાખવા માટે પારદર્શિતા, સ્વતંત્રતા અને નિર્ભય વાતાવરણ જરૂરી છે. પરંતુ આજે તે બધું જ ખતમ થઈ રહ્યું છે. ચૂંટણી પંચે જાગી જવું જોઈએ. નહીંતર આવનારી પેઢીઓ કહેશે કે આપણે લોકશાહીને બચાવી ન શક્યા.