કાયદાની કલમે પહાડો મરી ગયા : અરવલ્લીનો કાયદાકીય સંહાર

અરવલ્લી પર્વતમાળાઓને 100 મીટરની વ્યાખ્યાથી કાયદાકીય રક્ષણથી બહાર કરી દેવાઈ. ખનન, પાણી સંકટ અને પર્યાવરણ વિનાશ પર વિશ્લેષણ.

કાયદાની કલમે પહાડો મરી ગયા : અરવલ્લીનો કાયદાકીય સંહાર

આપણે ખરેખર માણસ કહેવાય તેવા છીએ કે નહીં — એ સવાલ આજે અરવલ્લીની ગિરિમાળાઓ ઊભો કરે છે. કહેવાય છે કે 84 લાખ યોનિમાંથી સારા કર્મોના પરિણામે માણસનો જન્મ મળે છે. પરંતુ જો માણસ બન્યા પછી માણસાઈ જ ગુમાવી બેસીએ, તો એ જન્મનો અર્થ શું રહે?

હિમાલયના જન્મ પહેલાંથી અડીખમ ઊભેલી, સમયને હરાવી ચૂકેલી અરવલ્લી આજે માણસ સામે હારી રહી છે. 3 અબજ વર્ષોથી અડીખમ ઊભેલા આ પહાડોને ક્યાં ખબર હતી કે એક દિવસ છ ફૂટિયો માણસ આવશે અને કહેશે —
“100 મીટરથી નાના છો એટલે તમે હવે પહાડ નથી.”

અરવલ્લી : હિમાલય નહીં, પૃથ્વીની સૌથી જૂની પર્વતમાળા

અરવલ્લી ગિરિમાળા ભારતની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. ગુજરાતથી લઈને દિલ્હી સુધી કુદરતી દિવાલ બનીને ઊભેલી આ ગિરિમાળા થારના રણને આગળ વધતું અટકાવે છે. શાળાના પુસ્તકોમાં આપણે આ વાત ભણ્યા છે, પરંતુ આજે એ જ દિવાલને આપણે જાતે જ તોડી રહ્યા છીએ.

2025 : અરવલ્લી માટે કાળું વર્ષ

2025નું વર્ષ ભારતના પર્યાવરણના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાવા જેવું બનતું દેખાય છે. કેન્દ્ર સરકારે એક નવી ગાઈડલાઈન રજૂ કરી, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી.

નવી વ્યાખ્યા શું કહે છે?

અરવલ્લીનો પહાડ એ જ ગણાશે જે આસપાસની જમીનથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવે.

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI)ના ડેટા અનુસાર:

  • અરવલ્લીની કુલ પહાડીઓ: 12,000થી વધુ
  • 100 મીટરથી વધુ ઊંચી પહાડીઓ: માત્ર 1,048

એટલે કે એક જ ઝાટકે અરવલ્લીનો લગભગ 90% વિસ્તાર કાયદાકીય રક્ષણથી બહાર થઈ ગયો.

હવે નાના પહાડો “ખાલી જમીન”

100 મીટરથી ઓછા ઊંચાઈ ધરાવતા હજારો ડુંગરો હવે કાયદેસર રીતે “પહાડ” જ નથી રહ્યા.
અને જે પહાડ નથી —
એ ખાલી જમીન છે,
એ ખનન માટે ખુલ્લી છે,
એ માઇનિંગ માફિયાઓ માટે રેડ કાર્પેટ છે.

કોર્ટ ભલે “સસ્ટેનેબલ માઇનિંગ પ્લાન” માંગે, પરંતુ જ્યારે પહાડો કાયદેસર પહાડ જ નથી રહ્યા, તો સસ્ટેનેબિલિટી કોની?

ઈડરિયો ગઢ : શૌર્યથી શોષણ સુધી

ગુજરાત ગર્વથી ગાય છે —
“ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદ ભયો”

પણ આજની હકીકત એ છે કે ઈડરિયો ગઢ ધીરે ધીરે વેચાઈ રહ્યો છે.
અહીં:

  • દુનિયાના સૌથી જૂના ગ્રેનાઈટ રોક ફોર્મેશન છે
  • રૂઠીરાણીનો મહેલ છે
  • જૈન મંદિરો અને સદીઓ જૂની આસ્થા જોડાયેલી છે

છતાં પણ છેલ્લા વર્ષોમાં અહીં બે ફાર્મ માઇનિંગ લીઝ અપાઈ.
જે ગઢ એક સમય અજેય હતો, ત્યાં આજે ડાયનામાઈટના બ્લાસ્ટ થાય છે.

સ્થાનિક લોકો કહે છે કે:

  • બ્લાસ્ટથી મંદિરની દિવાલોમાં તિરાડ પડી ગઈ
  • આખા પહાડ કાપીને મલ્ટીકલર ગ્રેનાઈટ એક્સપોર્ટ થાય છે

આ માત્ર ખનન નહીં, જીયોસાઈડ છે

જ્યાં નરસંહારને જીનોસાઈડ કહીએ છીએ, ત્યાં આ પ્રકૃતિનો નાશ છે —
જીયોસાઈડ.

આ વિનાશનો અવાજ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, પરંતુ કાગળોના સામ્રાજ્ય સામે અવાજ બળહીન સાબિત થયો.

અરવલ્લી : ઉત્તર ગુજરાતનો વોટર ટાવર

અરવલ્લી માત્ર પથ્થરોનો ઢગલો નથી.
એ ઉત્તર ગુજરાત અને દિલ્હી NCR માટે વોટર ટાવર છે.

અરવલ્લીના પથ્થરોમાં રહેલી તિરાડો:

  • વરસાદી પાણીને જમીનમાં ઉતારે છે
  • ભૂગર્ભ જળ રિચાર્જ કરે છે

આજે:

  • સાબરકાંઠા અને મહેસાણા ના વિસ્તારો ડાર્ક ઝોન બની ગયા છે
  • પાણી 1000થી 3000 ફૂટ નીચે પહોંચી ગયું છે

જો અરવલ્લી ન રહેશે, તો સાબરમતી સુકાઈ જશે — અને સાબરમતી પર આધારિત શહેરોની કલ્પના જ ડરાવની છે.

સાબરમતી : ગુજરાતની સાચી જીવાદોરી

નર્મદા, તાપી, મહીસાગર મોટી નદીઓ છે, પરંતુ ગુજરાતને ખરા અર્થમાં જીવાડે છે સાબરમતી.

કારણ કે:

  • સાબરમતીના પટાળમાં હજારો મીટર સુધી નાની કાંકરીઓ છે
  • આ નદી સતત ભૂગર્ભ જળ રિચાર્જ કરે છે
  • સમુદ્રની વધતી ખરાશ સામે જમીનને બચાવે છે

અને સાબરમતીનો માઈબાપ છે — અરવલ્લી.

ડેઝર્ટીફિકેશન : રણ હવે શહેરો તરફ

અરવલ્લી થારના રણને રોકે છે.
પરંતુ હરિયાણા અને રાજસ્થાનમાં ગેરકાયદેસર ખનનથી:

  • પહાડોમાં 12 મોટા ગેપ પડી ગયા
  • રણની ધૂળ દિલ્હી અને ગુજરાત સુધી પહોંચી રહી છે

આનું પરિણામ:

  • વધતું તાપમાન
  • ખરાબ AQI
  • શ્વાસના રોગો

ભલે તમે એસી ઓફિસમાં બેઠા હો, આ ધૂળ તમારા ફેફસાં સુધી પહોંચે છે.

ઇલીગલ માઇનિંગનું નેટવર્ક

રાત પડે એટલે અરવલ્લીમાં:

  • પરમિશન વગરના ડમ્પર
  • ઓવરલોડેડ ટ્રક
  • સેટેલાઈટ અને ચેકપોસ્ટ હોવા છતાં ગાયબ થતા પહાડો

કાગળ પર 5 હેક્ટરની લીઝ, જમીન પર 50 હેક્ટરનું ખનન —
અને 100 મીટરની વ્યાખ્યા હવે આ લૂંટને કાયદેસર બનાવશે.

અંતિમ સવાલ

આજે ઈડરનો પહાડ તૂટે છે ત્યારે અમદાવાદમાં બેઠેલા માણસને અવાજ સંભળાતો નથી.
પણ જ્યારે:

  • ગરમી 50 ડિગ્રી પાર કરશે
  • ભૂગર્ભ જળ તળિયે જશે
  • સાફ હવા ખરીદવી પડશે

ત્યારે કદાચ સમજાશે કે આપણે શું ગુમાવ્યું.

અરવલ્લી પથ્થર નથી —
એ આપણી ઇકોલોજીકલ કરોડરજ્જુ છે.
અને કરોડ તૂટે એટલે આખું શરીર લકવાગ્રસ્ત થાય.

રામધારીસિંહ દિનકરની પંક્તિ આજે પણ ચેતવે છે —
“સમર શેષ હૈ નહીં, પાપ કા ભાગી કેવલ વ્યાધ
જો તટસ્થ હૈ સમય, લખેગા ઉનકે ભી અપરાધ.”

નિર્ણય આપણો છે —
મૂંગા દર્શક બનવાનો કે આવતી કાલ માટે અવાજ ઉઠાવવાનો.