પિતા વિહોણી 133 “કોયલડી” દીકરીઓના 20–21 ડિસેમ્બરે સમૂહ લગ્ન, સર્વ ધર્મ–સર્વ જ્ઞાતિનું એક મંડપમાં કન્યાદાન
સુરતના પી.પી. સવાણી પરિવાર દ્વારા છેલ્લા 18 વર્ષથી યોજાતો અનોખો “કોયલડી” સમૂહ લગ્ન મહોત્સવ આ વર્ષે 20 અને 21 ડિસેમ્બરે યોજાશે. પિતાની છત્રછાયા ગુમાવેલી 133 દીકરીઓનું સર્વ ધર્મ અને સર્વ જ્ઞાતિના રિવાજ મુજબ એક જ મંડપમાં કન્યાદાન કરવામાં આવશે. અત્યાર સુધી 5539 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પી.પી. સવાણી પરિવાર દ્વારા આ સેવાયજ્ઞ સતત પ્રેરણારૂપ બની રહ્યો છે.
જ્યાં સમાજમાં લગ્નને ખર્ચ, દેખાડા અને ભેદભાવ સાથે જોડવામાં આવે છે, ત્યાં સુરતનો પી.પી. સવાણી પરિવાર છેલ્લા 18 વર્ષથી પિતા વિહોણી દીકરીઓ માટે આશા, સંવેદના અને સંસ્કારનો દીવો પ્રગટાવી રહ્યો છે. આ વર્ષે પણ “કોયલડી” નામે યોજાનારા સમૂહ લગ્ન મહોત્સવમાં 20 અને 21 ડિસેમ્બરે 133 દીકરીઓને સન્માનપૂર્વક સાસરે વળાવવામાં આવશે.
આ સમારોહ માત્ર લગ્ન નથી, પરંતુ સમાજને એકતાનો સંદેશ આપતો માનવતાનો મહોત્સવ છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિત સર્વ ધર્મ અને 37થી વધુ જ્ઞાતિની દીકરીઓ એક જ મંડપમાં, પોતાના-પોતાના ધર્મની રીત-રિવાજ મુજબ લગ્નબંધનમાં બંધાશે. અહીં કોઈ ભેદભાવ નથી — દલિત, આદિવાસી, બ્રાહ્મણ, જૈન કે અલ્પસંખ્યક — સૌ દીકરીઓ એકસરખી, સૌ દીકરીઓ “ઘરની દીકરી”.
18 વર્ષમાં 5539 દીકરીઓનું કન્યાદાન
પી.પી. સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધી 5539થી વધુ પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે દીકરીને માત્ર કરિયાવર આપી વિદાય નથી કરતા, પરંતુ એક બાપ તરીકે જીવનભરની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરીએ છીએ.” આ સેવાયજ્ઞથી પ્રેરાઈને આજે રાજ્ય અને દેશભરમાં અનેક સંસ્થાઓ સમૂહ લગ્નનું આયોજન કરવા લાગી છે.
દીપપ્રાગટ્ય, પુસ્તક વિમોચન અને સમાજસેવાનો સંદેશ
લગ્ન સમારોહના પ્રથમ દિવસે 20 ડિસેમ્બરે શ્રેષ્ઠ સાસુઓના હસ્તે દીપપ્રાગટ્ય થશે. સાથે જ પી.પી. સવાણી ગ્રુપના સ્થાપક વલ્લભભાઈ સવાણી તથા મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર પર આધારિત પુસ્તકો તેમજ દીકરીઓની લાગણીસભર સંવેદનાઓનું “કોયલડી” પુસ્તક પદ્મશ્રીઓ અને સમાજના અગ્રણી મહાનુભાવોના હસ્તે વિમોચિત થશે.
21 ડિસેમ્બરે જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાને પોતાના સ્વજનોના અંગદાન માટે મંજૂરી આપનાર પરિવારની માતા, દીકરી, બહેન અને પત્નીના હસ્તે દીપપ્રાગટ્ય કરીને માનવતા અને જીવનદાનનો સંદેશ આપવામાં આવશે.
સ્વસ્થ સમાજ માટે થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત
પી.પી. સવાણી પરિવાર લગ્નને માત્ર વિધિ નહીં પરંતુ જવાબદારી માને છે. આવનારી પેઢી સ્વસ્થ રહે તે માટે દરેક દંપતીનો થેલેસેમિયા અને સિકલ સેલ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. લોહીની તપાસ બાદ જ કરિયાવર આપવામાં આવ્યું અને લગ્નવિધિ શરૂ કરવામાં આવી — જે સમાજ માટે અનુકરણીય પગલું છે.
દીકરીને ભાઈ, માતાને સુરક્ષા
જે દીકરીઓના સગા ભાઈ નથી, તેમના માટે સવાણી પરિવારના દીકરા મિતુલ, મોહિત, સ્નેહ, કુંજ અને મોનાર્ક સગા ભાઈ બની જવતલ કરે છે. આ માત્ર પ્રતીક નથી, પરંતુ દીકરીને “હું એકલી નથી” એવી લાગણી આપતી ભાવનાત્મક જોડાણ છે.
સેવા સંગઠન — દીકરી માટે જીવનભરનું સુરક્ષા કવચ
પી.પી. સવાણી ટ્રસ્ટ સંચાલિત “સેવા સંગઠન” આજે 11,000થી વધુ દીકરી–જમાઈઓનો પરિવાર બની ગયો છે. જો કોઈ દીકરી દુર્ભાગ્યવશ વિધવા થાય, તો આ સંગઠન તેના અને તેના બાળકોના શિક્ષણ, આરોગ્ય અને આર્થિક જરૂરિયાતની સંપૂર્ણ જવાબદારી લે છે. હવે આ સંગઠનની મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ થવાની છે, જેમાં ડોક્ટર, વકીલ, શિક્ષક અને માર્ગદર્શન ટીમની માહિતી એક ક્લિક પર મળશે.
હનીમૂનથી લઈને ધાર્મિક યાત્રા સુધી
દરેક દીકરી–જમાઈને લગ્ન પછી કુલ્લુ–મનાલી સમૂહ હનીમૂન પર મોકલવામાં આવે છે, જેથી વિવિધ ધર્મ અને જ્ઞાતિના નવદંપતી એકબીજાને સમજી શકે. સાથે જ માતા–સાસુને અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને છપૈયાની યાત્રા પર મોકલવામાં આવશે, જ્યારે મુસ્લિમ દીકરી–જમાઈ માટે ઉમરાહ હજનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સંવેદનાનો જીવંત દાખલો
“કોયલડી” સમૂહ લગ્ન મહોત્સવ માત્ર દીકરીઓને સાસરે વળાવતો કાર્યક્રમ નથી, પરંતુ સંવેદના, સમાનતા અને સાચા ભારતની ઝલક છે — જ્યાં માનવતા ધર્મથી મોટી અને દીકરી સમાજથી ઉપર છે.