પાછા વળશો તો ગોળી - આંખ પર પટ્ટી બાંધીને બોર્ડર પર ધકેલાયા
ગર્ભવતી સુનાલી ખાતૂન અને તેના પરિવારને BSF દ્વારા આંખ પર પટ્ટી બાંધી બાંગ્લાદેશ બોર્ડર પર ધકેલી દેવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે માનવતાના આધારે પરત લાવવાનો આદેશ આપ્યો.
નવી દિલ્હી / પશ્ચિમ બંગાળ
“તમે બાંગ્લાદેશી છો… સામાન બાંધો અને સાથે આવી જાઓ” — એક ક્ષણમાં જિંદગી બદલી નાખે એવો આદેશ 26 વર્ષની ગર્ભવતી સુનાલી ખાતૂનના નસીબમાં લખાયો હતો. આધાર કાર્ડ, વોટર આઈડી, જમીનના દસ્તાવેજો હોવા છતાં પણ તેની કોઈ વાત ન સાંભળી — અનેBSF દ્વારા આંખ પર પટ્ટી બાંધીને રાત્રે તેને બાંગ્લાદેશ તરફ ધકેલી દેવામાં આવી.
18 જૂન 2025ના રોજ દિલ્હી પોલીસ દ્વારા રોહિણી વિસ્તારમાંથી સુનાલી, તેનો પતિ દાનિશ, 8 વર્ષનો પુત્ર સાબિર અને પરિવારના અન્ય સભ્યોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કહેવાતું હતું કે તેઓ “બાંગ્લાદેશી ઘુસણખોર” છે, જો કે સુનાલીએ પોલીસને પોતાના ભારતીય દસ્તાવેજો, 1952ના જમીનના કાગળો અને માતૃત્વ સંબંધિત કાગળો પણ બતાવ્યા હતા.
પરંતુ, કોઈએ તેની એક પણ વાત ન સાંભળી.
ત્યારબાદ BSFની ટીમ દ્વારા સુનાલી અને તેના પરિવારને પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મહાદી બોર્ડર પર લઈ જઈ, રાત્રિના અંધકારમાં તેમની આંખો પર પટ્ટી બાંધીને બાંગ્લાદેશ બોર્ડર તરફ ધકેલી દેવામાં આવ્યા. તેમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી — “પાછળ ફરી તો ગોળી મારી દેવામાં આવશે.”
બાંગ્લાદેશમાં પ્રવેશ કર્યા બાદ પણ સુનાલીની મુશ્કેલીઓ ખત્મ થઈ નથી. બાંગ્લાદેશની પોલીસે તેમને “ભારતીય ઘુસણખોર” કહીને પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ ધરપકડ કરી અને ચાપાઈનવાબગંજની જેલમાં મોકલી દીધા.
જેલમાં તેમને પૂરતું ખાવાનું પણ મળતું ન હતું, જેના કારણે ગર્ભવતી સુનાલી કુપોષણની શિકાર બની ગઈ હતી. શારીરિક સાથે માનસિક યાતનાનો પણ તેને સામનો કરવો પડ્યો.
આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. 3 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે માનવતા ના આધારે સુનાલી ખાતૂન અને તેના 8 વર્ષના પુત્રને ભારત પરત લાવવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું –
“કાયદાને ક્યારેક માનવતાની સામે નમવું પડે છે.”
કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટને ખાતરી આપી કે સુનાલી અને તેના પુત્રને ભારત પરત લાવવામાં આવશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય માત્ર માનવીય આધાર પર લેવામાં આવ્યો છે, નાગરિકતા સંબંધિત નિર્ણય પર તેની કોઈ અસર નહીં પડે.
હાલમાં સુનાલી પશ્ચિમ બંગાળમાં છે અને કુપોષણની સારવાર લઈ રહી છે.
સીધો સવાલ એ છે કે —
જો આધાર, વોટર આઈડી અને જમીનના દસ્તાવેજ હોવા છતાં પણ એક ભારતીય મહિલા આ રીતે અન્યાયનો ભોગ બની શકે, તો સામાન્ય માણસ કેટલો સુરક્ષિત છે?
આ ઘટના માત્ર એક મહિલા નહીં, પરંતુ સમગ્ર માનવતાને હચમચાવી દેવા જેવી છે.